આરબીએલ બેન્કે માર્ચ ૨૦૨૬ સમાપ્ત ત્રિમાસિક ગાળામાં મજબૂત નાણાકીય કામગીરી રજૂ કરી છે. નેટ પ્રોફિટ ૨૩૦ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે, જે ગયા વર્ષની સમાન અવધિના ૬૯ કરોડ રૂપિયાની સામે ૨૩૪ ટકાનો તેજ ઉછાળો દર્શાવે છે. આવકમાં વધારો અને પ્રોવીઝનમાં ઘટાડો – બંને પરિબળોએ બેન્કના પ્રદર્શનને મજબૂત બનાવ્યું છે.
નાણાકીય પરિણામો :
કુલ આવકમાં ૭ ટકાનો વધારો થઈ ૨૭૪૦ કરોડ રૂપિયા નોંધાયા છે, જ્યારે નેટ વ્યાજ આવકમાં ૭ ટકાના ઉછાળાથી ૧૬૭૧ કરોડ રૂપિયા સુધી પહોંચી છે. નેટ એડવાન્સિસમાં ૨૩ ટકાની વૃદ્ધિના પગલે વ્યાજ આવક ૩૭૨૦ કરોડ રૂપિયા નોંધાઈ છે. રિટેલ એડવાન્સિસમાં ૨૦ ટકાનો ઉછાળો બેન્ક માટે બુલિશ બાયસ સર્જે છે.
ડિપોઝિટ આધાર ૨૫ ટકાથી વધ્યો છે, જેના પરિણામે CASA ડિપોઝિટ્સમાં ૨૩ ટકાનો વધારો થઈ ૪૬,૭૨૩ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. CASA રેશિયો ૩૩.૬ ટકા યથાવત રહ્યો છે. ઓપરેટિંગ ખર્ચ ૫ ટકાના વધારા સાથે ૧,૭૮૫ કરોડ રૂપિયા રહ્યો, જ્યારે ઓપરેટિંગ નફો ૧૧ ટકા વધીને ૯૫૫ કરોડ રૂપિયા રહ્યો.
પ્રોવીઝનમાં ૧૪ ટકાનો ઘટાડો થઈ ૬૭૮ કરોડ રૂપિયા રહ્યો, જે બેન્ક માટે સકારાત્મક સંકેત છે. ટેક્સ ખર્ચ ૭ કરોડ રૂપિયાથી વધીને ૪૭ કરોડ રૂપિયા રહ્યો.
કંપની વિશે :
આરબીએલ બેન્કે આ ત્રિમાસિક ગાળામાં એસેટ ક્વોલિટી સુધારવામાં સફળતા મેળવી છે. ગ્રોસ NPA ૨.૬૦ ટકાથી ઘટીને ૧.૪૫ ટકા પર આવી છે, જ્યારે નેટ NPA ૦.૨૯ ટકાથી વધીને ૦.૩૯ ટકા થયો છે. પ્રોવીઝન કવરેજ રેશિયો ૭૩.૬ ટકા રહ્યો છે. કેપિટલ એડિક્વેસી રેશિયો ૧૪.૨૫ ટકા અને CET-૧ રેશિયો ૧૨.૭૭ ટકા હોવાનું મેનેજમેન્ટે જણાવ્યું છે.
બજારના મુખ્ય પરિબળો :
વર્તમાન કારોબારી સેશનમાં બેન્કિંગ સેગમેન્ટમાં મર્યાદિત વોલેટિલિટી યથાવત રહી છે. પસંદગીયુક્ત બેન્કિંગ શેરોમાં ઉછાળો નોંધાયો છે, જ્યારે ઉચ્ચ લેવલ્સ પર પ્રોફિટ બુકિંગનો પ્રવાહ ચાલુ રહ્યો છે. બેન્કિંગ ક્ષેત્રમાં એડવાન્સિસ વૃદ્ધિ અને ગ્રોસ NPA સુધારાથી બજારમાં વિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં આરબીએલ બેન્ક માટે બુલિશ બાયસ યથાવત રહી શકે છે. મજબૂત એસેટ ક્વોલિટી, CASA વૃદ્ધિ અને ઘટેલી પ્રોવીઝનને કારણે બેન્કની પોઝિશન વધુ મજબૂત બની છે. પરંતુ ઉચ્ચ લેવલ્સ પર ઉછાળે નફારૂપી વેચવાલીનો દબાણ યથાવત રહેવાની શક્યતા છે.






