વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક એનર્જી બજારમાં વોલેટિલિટી યથાવત રહ્યો છે. મધ્યપૂર્વમાં વધતા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં મજબૂત ઉછાળો નોંધાયો છે. નિષ્ણાતોના મતે જો હોર્મુઝ સ્ટ્રેઈટમાં અવરજવર અવરોધિત રહે તો ભાવ ૧૫૦ થી ૨૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી ઊંચા જઈ શકે છે.
હાલમાં બ્રેન્ટ ક્રૂડ ૧૧૦ ડોલરથી ઉપર અને WTI ૧૦૦ ડોલરથી ઉપર ટ્રેડ થઈ રહ્યું છે, જે એનર્જી બજારમાં સાવચેતીનો માહોલ ઊભો કરી રહ્યું છે.
બજારના મુખ્ય પરિબળો :
મધ્યપૂર્વમાં યુએસ, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેની લડતને કારણે પર્શિયન ગલ્ફમાંથી લાખો બેરલ ક્રૂડ ઓઈલની સપ્લાય અટકી રહી છે. FGE NexantECAના ચેરમેન મુજબ દર અઠવાડિયે આશરે ૧૦૦ મિલિયન બેરલ અને દર મહિને ૪૦૦ મિલિયન બેરલ જેટલી સપ્લાય રોકાઈ રહી છે, જે વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઈન પર ભારે દબાણ ઊભું કરી રહી છે. આ સપ્લાયના ધોવાણથી બજારમાં બેરિશ બાયસ ઓછો થઈ રહ્યો છે અને ભાવોમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે.
સપ્લાય ચાલુ રીતે ખોરવાય તો વૈશ્વિક એનર્જી ખર્ચ વધે તેવી શક્યતા છે, જે અન્ય કોમોડિટી અને કરન્સી બજારમાં પણ વધતી વોલેટિલિટીનું કારણ બની શકે છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાને કારણે વૈશ્વિક બજારમાં ઓઈલ અને એનર્જી સંબંધિત શેરોમાં પસંદગીયુક્ત ખરીદી જોવા મળી રહી છે. બીજી તરફ ઇંધણ આધારિત ઇન્ડસ્ટ્રીઝ જેમકે ટ્રાન્સપોર્ટ અને કેમિકલ્સ ક્ષેત્રે ખર્ચ વધવાથી દબાણ યથાવત છે. ભારતીય બજારમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે મર્યાદિત ફાયદો રહી શકે છે, જ્યારે આયાત આધારિત કંપનીઓ પર ખર્ચનું ભારણ વધશે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ બ્રેન્ટ ક્રૂડ માટે ૧૧૫ ડોલર આસપાસનું રેઝિસ્ટન્સ તૂટે તો આગલું મજબૂત બ્રેકઆઉટ શક્ય છે. WTI માટે ૧૦૬ ડોલર ઉપર ક્લોઝિંગ આવે તો ભાવ ઊંચા લેવલ્સની દિશામાં આગળ વધી શકે છે. જો હોર્મુઝ સ્ટ્રેઈટની પરિસ્થિતિ વધુ નાજુક બને તો માર્કેટના સપોર્ટ લેવલ ઝડપથી તૂટી શકે છે.
રોકાણ રણનીતિ :
વર્તમાન પરિસ્થિતિમાં રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ વધુ યોગ્ય રહેશે. કોમોડિટી માર્કેટમાં પોઝિશન ધરાવતા ટ્રેડર્સે કડક સ્ટોપલોસ જાળવવો અનિવાર્ય છે.
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ વલણ રાખી શકે છે, પરંતુ મધ્યપૂર્વની સ્થિતિમાં કોઈપણ નવા તાણને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની સંભાવના નકારી શકાય નહીં. વૈશ્વિક સ્તરે એનર્જી ડિમાન્ડ જાળવાય તો ભાવો માટે બુલિશ બાયસ યથાવત રહેશે.






