રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૯.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૦૨ સામે ૮૧૯૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૬૦૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૭૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૫૫ સામે ૨૫૨૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૦૭૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૧૧૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાએ એચ-1-બી વીઝા ફી વન ટાઈમ એક લાખ ડોલર લાગુ કરતાં અમેરિકામાં આઈટી પ્રોફેશનલો માટે રોજગારીની તકો ઘટવાની અને ભારતીય આઈટી સેક્ટરને અસર થવાના અંદાજોએ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. જીએસટી દરોમાં ઘટાડાનો અમલ થઈ જતાં અને ઘણા ઉદ્યોગો સાથે ગ્રાહકોને ફાયદો કરાવી આપનારા સરકારના આ સરાહનીય પગલાંને લઈ તહેવારોની મોસમમાં વેચાણ વૃદ્વિની અપેક્ષા છતાં વૈશ્વિક પરિબળો અત્યારે ચિંતાજનક રહેતાં શેરોમાં નવી મોટી ખરીદીમાં ફંડો, ખેલંદાઓ સાવચેત રહી ઉછાળે વેચવાલ રહ્યા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ એક પછી એક આંચકા આપનારા નિર્ણયો લઈને વિશ્વની ચિંતા વધારી રહ્યા હતા, એવામાં હવે પેલેસ્ટાઈનને માન્યતા નહીં આપનારા ઈટાલીમાં આંતરિક હિંસા-દેખાવોની સ્થિતિને લઈ જીઓપોલિટીકલ ટેન્શને પણ વૈશ્વિક બજારોની સાથે સ્થાનિક બજારમાં પણ સાવચેતી રહી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વના નવા ગવર્નર સ્ટીફન મિરાને વ્યાજ દરમાં આક્રમક કપાતની હાકલ કરતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ ઘટાડો આવવાની શકયતા વધી જતા ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો નોંધાતા ડોલર સામે રૂપિયો નબળો પડ્યો હતો, જયારે રશિયા ખાતેથી ક્રુડઓઈલ નિકાસ વધવાના અહેવાલ વચ્ચે ક્રુડઓઈલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી સેક્ટરલમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૬૮ અને વધનારની સંખ્યા ૧૬૦૪ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં પાવર ગ્રીડ ૧.૬૩%, હિંદુસ્તાન યુનિલિવર ૧.૪૮%, મારુતિ સુઝીકી ૦.૮૮%, એચસીએલ ટેકનોલોજી ૦.૮૮%, લાર્સન લિ. ૦.૫૫%, એશિયન પેઈન્ટ ૦.૪૨%, બજાજ ફાઈનાન્સ ૦.૪૧% અને ટ્રેન્ટ લિ. ૦.૧૧% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ટાટા મોટર્સ ૨.૬૭%, બીઈએલ લિ. ૨.૨૪%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૫૨%, ટેક મહિન્દ્ર ૧.૩૦%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૧૩%, એક્સિસ બેન્ક ૧.૦૨%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૯૦%, ટાટા કન્સલ્ટન્સી ૦.૮૬%, કોટક બેન્ક ૦.૮૦% અને ઈટર્નલ લિ. ૦.૭૪% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૦૩ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૦.૫૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૯ કંપનીઓ વધી અને ૨૧ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકા દ્વારા ભારતીય માલસામાન અને સેવાઓ પર ૫૦% ટેરિફ લાગુ પડ્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં દેશની વ્યાપાર પ્રવૃત્તિ ઓગસ્ટની સરખામણીએ મંદ પડી હોવાનું પ્રાથમિક અંદાજો દર્શાવે છે. ઉત્પાદન અને સેવા બંને ક્ષેત્રોમાં પીએમઆઈ ઘટી ૬૧.૯૦ નોંધાયો છે, જે છેલ્લા બે વર્ષમાં સૌથી મોટો સંયુક્ત પીએમઆઈ સુધારો છે. જોકે નવા ઓર્ડરમાં ઘટાડો, નિકાસ માંગમાં નબળાઈ અને રોજગાર વૃદ્ધિ ધીમી હોવા છતાં, સંયુકત પીએમઆઈ ૫૦ની ઉપર હોવાને કારણે અર્થતંત્ર હજુ પણ વિસ્તરણની સ્થિતિમાં છે.
ઉત્પાદન ક્ષેત્રે પીએમઆઈ ૫૮.૫૦ અને સેવા ક્ષેત્રે ૬૧.૬૦ નોંધાયા છે, જે સ્પર્ધા અને ઉદ્યોગોની માંગ નબળાઈને દર્શાવે છે. ભાવિ વેપાર માટે આશાવાદ હજુ જળવાઈ રહ્યો છે. કાચા માલની કિંમત વધારો અને વેચાણ કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો, ખાસ કરીને કપાસ અને સ્ટીલના ભાવ વધારાના કારણે નવા ઓર્ડરોની વૃદ્ધિ મંદ રહી છે, જેથી સેવા ક્ષેત્રમાં વધુ અસર જોવા મળી છે. તેમ છતાં, જીએસટી ઘટાડા સાથે આગામી દિવસોમાં બજારમાં માંગ મજબૂત રહેવાની શક્યતા ભારતીય શેરબજાર માટે સકારાત્મક સંકેત આપે છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in