October 11, 2025
Subscription
Login
Saturday, October 11, 2025
Subscription
Login
HomeStock Market Trendનિફટી ફ્યુચર ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન...!!! - ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫

નિફટી ફ્યુચર ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!! – ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૯.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૬૯૩ સામે ૮૩૧૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૭૦૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૦૧૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૪૨૩ સામે ૨૫૪૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૪૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૫૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારત સાથે તાજેતરમાં રશિયા મામલે ટ્રેડ વાટાઘાટ બંધ કરનાર અમેરિકા દ્વારા ભારતને ચીન અને રશિયાની વધુ નજીક જતું જોઈને ટ્રમ્પ સરકારે ભારત સરકાર સામે નમતું મૂક્યાના અને ભારત સાથે ટ્રેડ વાટાઘાટ ફરી શરૂ કરીને ઐતિહાસિક ડિલ કરવા તૈયાર થયાના અહેવાલ સાથે યુક્રેન મામલે રશિયાને સમજાવવા ભારતનો સાથ માંગ્યાના અહેવાલો વચ્ચે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરતા આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

વૈશ્વિક મોરચે એક તરફ નેપાળ અને યુરોપના દેશોમાં સત્તાપલટાના દેખાવોને લઈ અસ્થિરતા વ્યાપી રહી હોઈ અને બીજી તરફ ભારતનું વિશ્વમાં મહત્વ વધી રહ્યું હોઈ, ભારત ઝડપી આર્થિક વિકાસ કરવા કટિબદ્ધ હોઈ વિદેશી ફંડો, રોકાણકારો ભારતમાં મોટાપાયે રોકાણ કરવા આતુર હોવાના સંકેતે સેન્ટીમેન્ટ સતત તેજીમય રહ્યું હતું. ભારતની ડિફેન્સ સહિતના ક્ષેત્રોમાં વધતી તાકત અને મેક ઈન ઈન્ડિયા સફળ બની રહ્યું હોઈ ફંડો સતત ખરીદદાર રહ્યા હતા.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ દ્વારા અપેક્ષા મુજબ વ્યાજ દરમાં ૦.૨૫%નો ઘટાડો કરતા યુએસ ડોલર ઇન્ડેક્સમાં નીચા મથાળેથી જોરદાર રિકવરી નોંધાતા ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે ક્રુડઓઈલમાં બે દિવસના સુધારાને બ્રેક લાગી હતી.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૬% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, એનર્જી, સર્વિસીસ, ઈન્ડસ્ટ્રિયલ્સ, કોમોડિટીઝ અને રિયલ્ટી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૫૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૯૩ અને વધનારની સંખ્યા ૨૧૮૨ રહી હતી, ૧૭૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઈટર્નલ લિ. ૨.૯૬%, સન ફાર્મા ૧.૭૭%, ઈન્ફોસિસ ૧.૧૩%, એચડીએફસી બેન્ક ૧.૦૫%, એચસીએલ ટેકનોલોજી ૦.૮૪%, હિંદુસ્તાન યુનિલિવર ૦.૭૩%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૬૮%, આઈટીસી ૦.૬૫%, એક્સિસ બેન્ક ૦.૬૨% અને અદાણી પોર્ટ્સ ૦.૪૭% વધ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ ૧.૧૩%, ટ્રેન્ટ લિ. ૧.૦૪%, બજાજ ફાઈનાન્સ ૦.૮૩%, એશિયન પેઈન્ટ્સ ૦.૬૩%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૬૦%, બીઈએલ ૦.૫૯%, ટાઈટન કંપની લિ. ૦.૩૪% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૨૯% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૦૧ લાખ કરોડ વધીને ૪૬૫.૮૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૧ કંપનીઓ વધી અને ૯ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કરાયેલ ઘટાડાનો સીધો ફાયદો ઉદ્દભવતા બજારોને મળશે, જેમાં ભારત પણ સામેલ છે. વ્યાજ દર ઘટાડવાથી ડોલર ઈન્ડેક્સ પર દબાણ આવી શકે છે, જેના કારણે વિદેશી રોકાણકારો માટે ભારત જેવા ઉદ્ભવતા બજારોમાં મૂડીરોકાણ આકર્ષક બની શકે છે. વધુ વિદેશી મૂડી પ્રવાહ શેરબજારમાં લિક્વિડિટી વધારશે અને ખાસ કરીને બેંકિંગ, રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વ્યાજદર સંવેદનશીલ ક્ષેત્રોમાં તેજી લાવવાની શક્યતા છે. સાથે સાથે મજબૂત સ્થાનિક સ્તરની માંગ અને આર્થિક વૃદ્ધિ અંગેના સકારાત્મક અંદાજ ભારતીય બજાર માટે વધારાનો ટેકો પૂરું પાડશે.

જો કે, અમેરિકામાં વ્યાજદર ઘટાડા સાથે મોંઘવારી અને ટ્રમ્પના ટેરિફ આધારિત વેપાર યુદ્ધના જોખમો યથાવત્ છે, તેથી વૈશ્વિક બજારમાં અસ્થિરતા ચાલુ રહેવાની શક્યતા છે. ભારત માટે આ અર્થ એ થાય છે કે ટૂંકાગાળામાં શેરબજારમાં તેજી જોવા મળી શકે છે, પરંતુ લાંબા ગાળે વૈશ્વિક મોંઘવારી, કાચા તેલના ભાવ અને જિયોપોલિટિકલ તણાવ જેવા પરિબળો તેની દિશાને અસર કરશે. એટલે રોકાણકારોએ બજારમાં આવેલા તેજીને સકારાત્મક સંકેત તરીકે જોતા હોવા છતાં સાવચેતીપૂર્વક રોકાણ કરવું જરૂરી બની રહેશે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular