વર્તમાન કારોબારી સેશનમાં ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઉછાળો યથાવત રહ્યો છે. યુએસ–ઇરાન શાંતિ સંકેતો અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે રોકાણકારોની ભાવના મજબૂત બની છે. સેન્સેક્સમાં ૫૪૪ પોઈન્ટનો ઉછાળો નોંધાયો અને નિફ્ટી પણ મજબૂત ક્લોઝિંગ સાથે સમાપ્ત થયો.
બેન્ચમાર્ક ઈન્ડેક્સ છેલ્લા ત્રણ સેશન્સમાં આશરે ૪ ટકા જેટલો ઉછાળો દર્શાવી રહ્યા છે, જે બુલિશ બાયસને મજબૂત બનાવે છે.
બજારના મુખ્ય પરિબળો :
યુએસ–ઇરાનની ચર્ચાઓના સકારાત્મક સંકેતોથી વૈશ્વિક બજારોમાં વોલેટિલિટી ઘટી છે, જ્યારે ક્રૂડના ભાવમાં ઘટાડાએ ભારતીય અર્થતંત્રને સહારો આપ્યો છે. ક્રૂડમાં ઘટાડાથી મહંગાઈની ચિંતા હળવી થઈ છે અને રૂપિયામાં મર્યાદિત સપોર્ટ જોવા મળ્યો છે.
આઈટી અને કન્ઝ્યુમર સેક્ટરમાં પસંદગીયુક્ત ખરીદી જોવા મળી છે જ્યારે મેટલ સેક્ટરમાં ઘટાડો યથાવત રહ્યો છે. એલ્યુમિનિયમના ભાવમાં ઘટાડાને કારણે હિન્દાલ્કો પર પ્રોફિટ બુકિંગનો દબાણ વધારો રહ્યો.
સેક્ટર દૃષ્ટિકોણ :
આઈટી સેક્ટરે બજારમાં સકારાત્મક વલણ નિર્માણ કર્યું છે. HCL ટેક્નોલોજીઝે ૩.૭ ટકા ઉછાળો નોંધાવ્યો, કંપનીએ AI ક્ષેત્રમાં ૧૦.૫ ટકા હિસ્સેદારી ખરીદવાની જાહેરાત કર્યા બાદ સ્ટોકમાં મજબૂતી જોવા મળી. કન્ઝ્યુમર સેગમેન્ટમાં ટાટા કન્ઝ્યુમરે ૨.૭ ટકા મજબૂતી દર્શાવી છે.
બીજી તરફ મેટલ સેક્ટરમાં ધોવાણ જોવા મળ્યું છે, જેમાં હિન્દાલ્કો આશરે ૩ ટકા ઘટાડા સાથે ટોચનો લૂઝર રહ્યો હતો.
ટેક્નિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ નિફ્ટી માટે ૨૪,૦૦૦ નજીક રેઝિસ્ટન્સ ઝોન રચાયો છે. મજબૂત ક્લોઝિંગ મળે તો રેન્જ બાઉન્ડ સ્થિતિમાંથી બ્રેકઆઉટની શક્યતા બની શકે છે, જ્યારે નીચેના સ્તરે ૨૩,૮૦૦ સપોર્ટ લેવલ તરીકે મહત્વનું રહેશે.
સેન્સેક્સ માટે પણ ટેક્નિકલ સ્તરે મજબૂત સપોર્ટ યથાવત છે, પરંતુ વધતી વોલેટિલિટી સાથે સાવચેતી જરૂરી છે.
રોકાણ રણનીતિ :
ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી અપનાવવી સમજદારીનું પગલું રહેશે. ટૂંકાગાળાના રોકાણકારોએ કડક સ્ટોપલોસ સાથે પોઝિશન રાખવી જોઈએ. હાઈ બીટા સેક્ટરમાં સાવચેતીનો માહોલ જાળવવો અનિવાર્ય રહેશે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં બજાર રેન્જ બાઉન્ડ રહી શકે છે, કારણ કે રોકાણકારો હવે યુએસ ફેડની બેઠક તરફ નજર રાખી રહ્યા છે. વ્યાજદર અંગે મોટો ફેરફાર થવાની ધારણા ઓછીછે, પરંતુ ફેડના માર્ગદર્શક નિવેદનો બજારની દિશા નક્કી કરશે.






