એલટીએમના સીઇઓ વેણુ લંબુએ જણાવ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેકનોલોજી ક્ષેત્રમાં વધતી વોલેટિલિટી વચ્ચે ઇનોવેશનની ગતિને રોકવી શક્ય નથી. કંપનીઓએ ‘કોન્ટેક્સ્ટ, કોસ્ટ અને ચેન્જ’ – આ ત્રણ પરિબળોને ધ્યાનમાં રાખીને જ AI પર રોકાણ કરવું જરૂરી છે.
લંબુના નેતૃત્વ હેઠળ કંપનીએ પ્રથમ વર્ષમાં નોંધપાત્ર વૃદ્ધિ મેળવી છે અને રેન્ડસ્ટેડના યુરોપ તથા ઓસ્ટ્રેલિયા યુનિટ્સનું અધિગ્રહણ પણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.
કંપની વિશે :
મુંબઈ સ્થિત એલટીએમ (LTM) – જે એલ એન્ડ ટી ઇન્ફોટેક અને માઇન્ડટ્રીના વિલયથી બનેલી છે – છેલ્લા એક વર્ષમાં સતત મોટા ડીલ્સ અને વ્યૂહાત્મક અધિગ્રહણ માટે ચર્ચામાં રહી છે. તાજેતરમાં કંપનીએ રેન્ડસ્ટેડના ચોક્કસ બિઝનેસ યુનિટ્સ આશરે ૧૮૦ મિલિયન અમેરિકન ડોલરમાં ખરીદ્યા છે.
કંપનીએ ઓક્ટોબર મહિનામાં પેરામાઉન્ટ ગ્લોબલ સાથે આશરે ૫૮૫ મિલિયન અમેરિકન ડોલરનું ૬ વર્ષનું IT ટ્રાન્સફોર્મેશન કોન્ટ્રેક્ટ પણ મેળવ્યું હતું.
બજારના મુખ્ય પરિબળો :
AI ક્ષેત્રમાં અનિશ્ચિતતા યથાવત રહેતા IT શેરોમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળી રહ્યું છે. લંબુનું માનવું છે કે AI આધારિત સાધનો ખર્ચાળ છે અને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ (ROI) મહત્વપૂર્ણ છે, તેથી ક્લાયન્ટો ખર્ચ પર અતિશય નિયંત્રણ નહીં કરે.
કંપનીનું કહેવું છે કે જો AI પ્રોજેક્ટ્સ યોગ્ય કોન્ટેક્સ્ટમાં અને કોસ્ટ ઇફિશિયન્સી સાથે અમલમાં આવે તો ટેક સ્પેન્ડિંગમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
ટેક સેક્ટરમાં હાલ મર્યાદિત વોલેટિલિટી જોવા મળી રહી છે. એન્ટરપ્રાઇઝ ક્લાયન્ટો હવે AI આધારિત સોલ્યુશન્સ માટે સ્પષ્ટ ROI માગે છે. લંબુનું માનવું છે કે AI સાધનો માત્ર પરીક્ષણ માટે નહીં પરંતુ પ્રોડક્ટિવિટી વધારવા માટે ઉપયોગી બનવા જોઈએ.
યુરોપ તથા ઓસ્ટ્રેલિયા બજારમાં થયેલ રેન્ડસ્ટેડ ડીલ કંપનીને ત્યાં ઝડપથી ઉપસ્થિતિ વધારવામાં મદદ કરશે.
રોકાણ રણનીતિ :
IT ક્ષેત્રમાં હાલ ક્લાયન્ટ તરફથી પ્રોફિટ બુકિંગ અને પસંદગીયુક્ત ધોવાણ જોવા મળે છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીનો અભિગમ વધુ યોગ્ય માનવામાં આવે છે. કંપનીઓ AI દ્વારા ઓપરેશન્સને સુદ્રઢ બનાવી રહી છે, પરંતુ તાત્કાલિક કર્મચારી ઘટાડો થવાની સંભાવના મર્યાદિત છે.
ભાવિ દિશા :
લંબુનો વિશ્વાસ છે કે એલટીએમ આગામી દિવસોમાં આવક ડબલ કરવાની દિશામાં મજબૂત પોઝિશન ધરાવે છે. શેરના ભાવમાં થયેલા આશરે ૩૪ ટકા ઘટાડા અંગે તેમણે જણાવ્યું કે પૂર્ણ IT સેક્ટરમાં હાલ બેરિશ બાયસ યથાવત છે, પરંતુ મેક્રો અનિશ્ચિતતા દૂર થતા સુધારાની શક્યતા છે.
તેમણે ઉમેર્યું કે H-૧B તથા ગ્રીન કાર્ડ નિયમોમાં થયેલ ફેરફારોનો કંપની પર મર્યાદિત પ્રભાવ રહેશે, કારણ કે એલટીએમએ સમય સાથે H-૧B પરની નિર્ભરતા ઘટાડીને પોતાની ઓપરેશનલ લવચીકતા વધારી છે.






