વર્તમાન કારોબારી સેશનમાં સ્પાઈસજેટને લગતા કાનૂની વિકાસોને કારણે બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. સનબર્ડ ફ્રાન્સ ૦૨ એસએએસ સાથેના લગભગ ૮ મિલિયન ડોલરના વિવાદમાં દિલ્લી હાઈકોર્ટ દ્વારા કંપનીને બે અઠવાડિયામાં પોતાના એસેટ્સનો ખુલાસો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આદેશ જસ્ટિસ વિકાસ મહાજન દ્વારા આપવામાં આવ્યો હતો, કારણ કે સનબર્ડે દલીલ કરી હતી કે એરલાઈનની નબળી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લઈ સુરક્ષાત્મક પગલાં અનિવાર્ય છે.
કંપની વિશે :
સ્પાઈસજેટ હાલમાં નાણાકીય દબાણમાંથી પસાર થઈ રહી છે. એર્લાઈન સામે એનસીએલટીમાં ૧૬ ઇન્સોલ્વન્સી પિટિશન પેન્ડિંગ છે. સનબર્ડે લંડન કમર્શિયલ કોર્ટે મળેલા સમરી જજમેન્ટના આધારે બાકી ૭.૯૬ મિલિયન ડોલર વસૂલવા માટે કાર્યવાહી શરૂ કરી છે. વર્ષ ૨૦૧૯માં લીજ પર લેવાયેલા ત્રણ એન્જિન્સ માટે ૨૦૨૦ બાદથી પેમેન્ટ ડિફોલ્ટ સર્જાતા સનબર્ડે એન્જિન્સ રિપોઝેસ પણ કર્યા હતા.
સનબર્ડના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે બાકી ચૂકવણીઓ વચ્ચે પણ કંપનીએ ચેરમેન અજેય સિંહને ૩.૪ મિલિયન ડોલરનું એડવાન્સ પેમેન્ટ કર્યું હતું, જે કંપનીની નાણાકીય પ્રાથમિકતાઓ અંગે પ્રશ્નો ઊભા કરે છે.
બજારના મુખ્ય પરિબળો :
એવિએશન સેક્ટરમાં વોલેટિલિટી યથાવત છે. નાણાકીય દબાણ હેઠળની એરલાઈન્સ પર વધતા કેસો રોકાણકારોમાં સાવચેતીનો માહોલ સર્જી રહ્યા છે. સપ્લાયર્સ, લેસર્સ અને ક્રેડિટર્સ સાથેના વિવાદોને કારણે સેક્ટરમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળવાની શક્યતા છે.
સ્પાઈસજેટે કોર્ટમાં દલીલ કરી હતી કે કંપની હાલ “રનિંગ કન્સર્ન” છે અને તાત્કાલિક કડક આદેશો આપવાથી રોજના ૧૩૫ ફ્લાઈટ, ૨૧,૦૦૦ મુસાફરો અને ૬,૪૦૦ કર્મચારીઓ પર અસર થઈ શકે છે.
રોકાણ રણનીતિ :
એવિએશન અને લિઝિંગ/ફાઈનાન્સિંગ સંકળાયેલી કંપનીઓમાં પોઝિશન ધરાવતા રોકાણકારોએ સાવચેતી જાળવી રાખવી જોઈએ. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ અપનાવવી યોગ્ય ગણાશે. સેક્ટરમાં રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ રહેવાની સંભાવના વિશ્લેષણકારો વ્યક્ત કરી રહ્યા છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં આ કેસની સુનાવણી અને સ્પાઈસજેટ દ્વારા કોર્ટમાં રજૂ થનારા એસેટ્સ ખુલાસા પર બજારની નજર રહેશે. જો કંપની તરફથી મજબૂત સ્પષ્ટતા આવશે તો બુલિશ બાયસ સુધરવાની શક્યતા છે, જ્યારે નકારાત્મક સમાચાર આવ્યા તો બેરિશ બાયસ વધુ ગાઢ થઈ શકે છે.






