April 27, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Monday, April 27, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendભારતીય કોર્પોરેટ જગતની સન ફાર્માનું વૈશ્વિક ફાર્મા ક્ષેત્રે વર્ચસ્વ...!!!

ભારતીય કોર્પોરેટ જગતની સન ફાર્માનું વૈશ્વિક ફાર્મા ક્ષેત્રે વર્ચસ્વ…!!!

ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટે વર્તમાન સમય સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે. ભારતની સૌથી મોટી અને વિશ્વની ટોચની પાંચ જેનરિક દવા કંપનીઓમાં સ્થાન ધરાવતી સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ (Sun Pharma) એ એક એવો નિર્ણય લીધો છે જેણે વૈશ્વિક બજારોમાં હલચલ મચાવી દીધી છે. સન ફાર્મા હવે અમેરિકાની જાણીતી લિસ્ટેડ કંપની ઓર્ગેનોન એન્ડ કંપની (Organon & Co.) ને ખરીદવા જઈ રહી છે. આ માત્ર બે કંપનીઓ વચ્ચેનો સોદો નથી, પરંતુ ભારતીય શક્તિનું વૈશ્વિક પ્રદર્શન છે.

👉🏽 ઐતિહાસિક આંકડા અને ડીલનું કદ

આ સોદો 11.75 અબજ ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં આશરે 1,10,450 કરોડ રૂપિયા માં નક્કી થયો છે. આંકડાની દૃષ્ટિએ જોઈએ તો, આ ભારતીય ફાર્મા સેક્ટરનો અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી અધિગ્રહણ (Acquisition) સોદો છે. એટલું જ નહીં, સમગ્ર ભારતીય કોર્પોરેટ ઇતિહાસમાં ટાટા સ્ટીલ દ્વારા કરવામાં આવેલી ‘ટાટા-કોરસ’ ડીલ પછી આ બીજા નંબરની સૌથી મોટી વિદેશી ખરીદી છે.

સોદાની મુખ્ય શરતો અને વિગતો

સન ફાર્મા અને ઓર્ગેનોન બંને કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ મર્જરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે.

100% માલિકી :- આ ડીલ અંતર્ગત સન ફાર્મા ઓર્ગેનોનની 100% ઇક્વિટી હસ્તગત કરશે.

*ચુકવણી :- ઓર્ગેનોનના શેરધારકોને દરેક શેર દીઠ 14 ડોલર રોકડમાં ચૂકવવામાં આવશે.

ફંડિંગ મોડલ: સન ફાર્મા આ વિશાળ રકમની વ્યવસ્થા પોતાની પાસે રહેલી રોકડ અનામત (Internal Accruals) અને વિવિધ બેંકો પાસેથી મળેલા ફાઇનાન્સ દ્વારા કરી રહી છે.

સમયમર્યાદા: હાલમાં રેગ્યુલેટરી મંજૂરીઓ અને શેરધારકોની સહમતિ પ્રક્રિયા ચાલુ છે, જે 2027ની શરૂઆત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

ઓર્ગેનોન એન્ડ કંપનીનો પરિચય – 
ઓર્ગેનોન એ કોઈ નાની કંપની નથી. વર્ષ 2021 માં તે વૈશ્વિક દિગ્ગજ કંપની ‘મર્ક’ (Merck) થી અલગ થઈને એક સ્વતંત્ર કંપની તરીકે અસ્તિત્વમાં આવી હતી. આ કંપની મુખ્યત્વે મહિલાઓના સ્વાસ્થ્ય (Women’s Health), બાયોસિમિલર્સ અને પ્રસ્થાપિત બ્રાન્ડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની અંદાજીત 140 થી વધુ દેશોમાં કાર્યરત છે અને તેની પાસે આશરે 10,000 કર્મચારીઓનું બળ છે. આ ઉપરાંત આર્થિક સ્થિતિ મુજબ જોઈએ તો વર્ષ 2025 સુધીમાં કંપનીની કમાણી અંદાજે 6.2 અબજ ડોલર નોંધાઈ હતી, જોકે તેના પર 8.6 અબજ ડોલરનું દેવું પણ છે, જે હવે સન ફાર્માના મેનેજમેન્ટ હેઠળ આવશે.

સન ફાર્માનું સામ્રાજ્ય અને દિલીપ સંઘવીની દ્રષ્ટિ

સન ફાર્માની સ્થાપના 1983માં માત્ર પાંચ પ્રોડક્ટ્સ સાથે દિલીપ સંઘવી દ્વારા કરવામાં આવી હતી. આજે આ કંપની વિશ્વની 5મી સૌથી મોટી જેનરિક ફાર્મા કંપની છે અને 43,000 થી વધુ કર્મચારીઓ ધરાવે છે. 40 થી વધુ અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ધરાવે છે, કંપની પાસે 3 અબજ ડોલર જેવો મજબૂત નેટ કેશ ફ્લો છે.
દિલીપ સંઘવી, જેમની કુલ સંપત્તિ આશરે 24.16 અબજ ડોલર છે, તેમણે હંમેશા વ્યૂહાત્મક ખરીદી દ્વારા કંપનીનો વિસ્તાર કર્યો છે. અગાઉ ‘રેનબેક્સી’ (Ranbaxy) ની ખરીદીએ સન ફાર્માને ભારતમાં નંબર 1 બનાવી હતી, અને હવે ઓર્ગેનોનની ખરીદી તેમને વૈશ્વિક સ્તરે અજેય બનાવશે.

આ ડીલથી સન ફાર્માને શું ફાયદો થશે.. ?

અમેરિકન બજારમાં પ્રભુત્વ: ઓર્ગેનોન અમેરિકામાં લિસ્ટેડ છે, આ સોદાથી સન ફાર્માની પકડ યુએસ માર્કેટમાં અત્યંત મજબૂત બનશે.

વિસ્તાર અને વિકાસ:

સન ફાર્માની હાજરી 100 દેશોમાં છે, જે હવે વધીને 140 થી વધુ દેશો સુધી પહોંચશે સાથે સાથે બંને કંપનીઓના સંયુક્ત રિસર્ચથી નવી દવાઓના સંશોધનમાં વેગ આવશે અને ઓર્ગેનોન ‘વુમન હેલ્થ’ ક્ષેત્રે નિષ્ણાત છે, જે પોર્ટફોલિયો હવે સન ફાર્મા પાસે આવશે.

આ ડીલની જાહેરાત થતાની સાથે જ શેરબજારમાં સનફાર્માના શેર પ્રત્યે ખરીદી તરફી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

વિશ્લેષકોનું માનવું છે કે લાંબા ગાળે આ સોદો કંપનીના શેરધારકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, કારણ કે તે આવકના નવા સ્ત્રોતો ખોલશે.

સન ફાર્મા અને ઓર્ગેનોન વચ્ચેનો આ સોદો ભારતીય ઉદ્યોગ જગતના આત્મવિશ્વાસનું પ્રતીક છે. તે દર્શાવે છે કે ભારતીય કંપનીઓ હવે માત્ર દેશમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે મલ્ટિ-બિલિયન ડોલરની ડીલ કરવાની ક્ષમતા ધરાવે છે. 2027 માં જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થશે, ત્યારે સન ફાર્મા એક નવી ઊંચાઈ પર હશે, જે ભારતને ‘વર્લ્ડ ફાર્મસી’ તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

નિખિલ ભટ્ટ
Business Editor
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
Contact :- 99390 80808

Spread the love

Most Popular