વૈશ્વિક કોમોડિટી માર્કેટમાં હીલિયમ સપ્લાયને લઈને ચિંતાનો માહોલ યથાવત રહ્યો છે. મધ્યપૂર્વમાં વધતા જીઓપોલિટિકલ તણાવ તથા કતારની રસ લફાન ઔદ્યોગિક સિટીના ગેસ પ્રોસેસિંગ યુનિટમાં થયેલા વિક્ષેપને કારણે હીલિયમનું ઉત્પાદન ઘટ્યું છે. આ અસરથી આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈનમાં દબાણ વધ્યું છે અને વૈશ્વિક સ્તરે સાવચેતીનો માહોલ વધુ ઘેરો બન્યો છે.
કતારના ઉત્પાદન રોકાવાથી દુનિયાના આશરે એક-તૃતિયાંશ હીલિયમ સપ્લાયમાં ઘટાડો નોંધાયો છે. આ પરિસ્થિતિથી ભારત સહિતના દેશોમાં હેલ્થકેર અને હાઈ-ટેક ઉદ્યોગોને સીધો ઝટકો લાગ્યો છે.
બજારના મુખ્ય પરિબળો :
મધ્યપૂર્વના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ નજીક વધી રહેલી અનિશ્ચિતતાએ નૌકાવાહક માર્ગોને પ્રભાવિત કર્યા છે. હીલિયમને ખૂબ નીચા તાપમાને ક્રાયોજનિક ટેન્કરોમાં પરિવહન કરવામાં આવે છે, જેના કારણે લાંબા માર્ગો અને વિલંબથી “બોઇલ-ઓફ” નુકસાનમાં વધારો થયો છે. આથી વૈશ્વિક સપ્લાય ચેઈન દબાણમાં આવી છે અને વોલેટિલિટી યથાવત છે.
કતારના LNG ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આશરે ૧૭% પર પડેલા પ્રભાવને કારણે હીલિયમનું ઉત્પાદન આપમેળે ઘટી રહ્યું છે. હીલિયમ એક નોન-રિન્યુએબલ બાયપ્રોડક્ટ હોવાને કારણે ઉત્પાદન રોકાતા જ વૈશ્વિક બજારમાં અસ્થિરતા વધી છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
ભારતમાં MRI મશીનો માટે હીલિયમ અનિવાર્ય હોવાથી હેલ્થકેર સેક્ટરમાં ચિંતા વધી છે. MRI માટે જરૂરી હીલિયમની ઉપલબ્ધતા ઘટતા હોસ્પિટલો હાલ સાવચેતીપૂર્વક સ્ટોક જાળવી રહી છે.
સેમિકન્ડક્ટર અને ફાઈબર ઓપ્ટિક ઉદ્યોગો પણ હીલિયમને કૂલિંગ ગેસ તરીકે ઉપયોગમાં લે છે, જ્યાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળ્યું છે. વૈશ્વિક સપ્લાય તંગ હોવાથી આ સેક્ટરોમાં રો-મટિરિયલ ખર્ચમાં ઉછાળો અને પ્રોફિટ બુકિંગ બંને જોવા મળી રહ્યા છે.
ભારતમાં કેટલાક સંસ્થાઓ “હીલિયમ રિકવરી પ્રોજેક્ટ” પર કાર્યરત છે, પરંતુ હાલનું ઉત્પાદન મર્યાદિત હોવાથી તાત્કાલિક રાહતની શક્યતા ઓછી છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં હીલિયમ બજાર રેન્જ બાઉન્ડ વલણ સાથે રહી શકે છે. મધ્યપૂર્વના જીઓપોલિટિકલ પરિબળો અને ગલ્ફ ક્ષેત્રમાં LNG ઓપરેશન્સ પુનઃસ્થાપિત થવું હીલિયમ સપ્લાય માટે મુખ્ય સપોર્ટ લેવલ રહેશે.
ભારતમાં MRI ક્ષેત્રે હીલિયમ-મુક્ત અથવા લો-હીલિયમ ટેકનોલોજી તરફ ધીમું વલણ શરૂ થયું હોઈ શકે છે, પરંતુ હાલ તેનો વ્યાપ મર્યાદિત છે. સમગ્ર રીતે જોવામાં આવે તો હીલિયમની અછત નજીકના ગાળામાં યથાવત રહી શકે છે અને દેશોએ ઘટાડે તબક્કાવાર ખરીદી સાથે વ્યૂહાત્મક સ્ટોકિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય રહેશે.





