વર્તમાન કારોબારી સેશનમાં ટાટા મોટર્સના શેરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેએલઆરના યુકે સ્થિત સોલિહલ પ્લાન્ટમાં પુરવઠા સંબંધિત ભાગોની અછતને કારણે ઉત્પાદન રોકાતા રોકાણકારોમાં સાવચેતીનો માહોલ સર્જાયો છે. એક જ દિવસમાં શેરમાં ધોવાણ નોંધાયું અને ભાવ ૫૨ અઠવાડિયાના નીચલા સ્તર ₹૩૦૧ સુધી પહોંચી ગયો છે.
કંપનીએ જણાવ્યું છે કે પ્લાન્ટનું ઉત્પાદન ૮ એપ્રિલ સુધી સ્થગિત રહેશે. રેન્જ રોવર જેવી ઉંચી નફાવાળી મોડલ્સ અહીં બનતી હોવાથી ઉત્પાદન રોકાવાથી ટાટા મોટર્સની આવક પર સીધી અસર થવાની શક્યતા છે.
કંપની વિશે :
જેએલઆર ટાટા મોટર્સની કન્સોલિડેટેડ આવકમાં અંદાજે ૭૦ ટકા હિસ્સો ધરાવે છે, જે કંપની માટે મુખ્ય આવકનું સ્ત્રોત ગણાય છે. છેલ્લા કેટલાક મહિના દરમ્યાન વૈશ્વિક લક્ઝરી કાર ડિમાન્ડમાં ઘટાડો, ચીનમાં વધેલા ટેક્સ અને અમેરિકામાં વધતા ખર્ચને કારણે માર્જિન પર દબાણ યથાવત રહ્યું છે.
કંપનીએ અગાઉના ત્રિમાસિક પરિણામોમાં ચીનના વધેલા ટેક્સનો ભાર પોતે સહન કર્યો હતો, જેથી નફાકારકતામાં મર્યાદિત દબાણ આવ્યું હતું.
બજારના મુખ્ય પરિબળો :
• વૈશ્વિક લક્ઝરી કાર ડિમાન્ડ કમજોર
• ચીન અને અમેરિકા બજારમાં વોલ્યુમમાં ઘટાડો
• ખર્ચમાં વધારો અને જીઓપોલિટિકલ જોખમ
• પ્લાન્ટ બંધ થવાથી સપ્લાય ચેઇનમાં ધોવાણ
તાજેતરમાં cybersecurity સમસ્યાનો પ્રભાવ ઘટતાં જેએલઆરનું ઉત્પાદન સ્થિર થયું હતું, પરંતુ સોલિહલ પ્લાન્ટનું હાલનું બ્રેકડાઉન ફરી એક વાર પુરવઠાની નબળાઈને ઉજાગર કરે છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટાટા મોટર્સના શેરમાં સતત ઘટાડાની ટ્રેન્ડ લાઇન યથાવત છે. મહત્વના સપોર્ટ લેવલ તૂટતા બેરિશ બાયસ વધુ મજબૂત બન્યો છે. ઉપરની દિશામાં રેઝિસ્ટન્સ ઝોન દૂર છે, તેથી ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ જરૂરી છે.
હાલમાં શેર રેન્જ બાઉન્ડ ઝોનમાંથી નીચે સરકીને બ્રેકડાઉન ક્ષેત્રમાં દાખલ થયો છે, જેના પરિણામે વોલેટિલિટી વધવાની શક્યતા યથાવત છે.
રોકાણ રણનીતિ :
• ઉછાળે નફારૂપી વેચવાલીનો અભિગમ ટૂંકા ગાળામાં યથાવત રહેશે
• ઘટાડે તબક્કાવાર ખરીદી ફક્ત ક્વોલિટી લેવલ્સ પર જ કરવી
• લાંબા ગાળાના રોકાણકારોએ પોઝિશન જાળવતા સાવચેતી રાખવી
• પેનિક રિએક્શન ટાળવું યોગ્ય રહેશે
ભાવિ દિશા :
આગામી દિવસોમાં જેએલઆરનું ઉત્પાદન ફરી શરૂ થાય અને સપ્લાય ચેઇન સ્થિર થયા પછી જ શેરમાં સ્થિરતા આવવાની શક્યતા છે. ૨૦૨૬ દરમિયાન લોન્ચ થનારી ઇલેક્ટ્રિક રેન્જ રોવર તથા અન્ય નવા મોડલ્સ કંપની માટે લાંબા ગાળે સપોર્ટરૂપ બની શકે છે, પરંતુ હળવી વોલેટિલિટી યથાવત રહે તેવી શક્યતા રહેશે.







