વર્તમાન કારોબારી સેશનમાં ઈંધણ બજારમાં વોલેટિલિટી યથાવત રહ્યો છે. મધ્યપૂર્વના વધતા તણાવ અને ક્રૂડના ભાવમાં આવેલા ઉછાળા વચ્ચે દેશના પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો નોંધાયો છે, જ્યારે સામાન્ય પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ યથાવત રાખવામાં આવ્યા છે.
સરકારી ઓઈલ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના વેરિઅન્ટમાં આશરે ૨ થી ૨.૩૫ રૂપિયાનો ઉછાળો કર્યો છે. હાલમાં બલ્ક ડીઝલના ભાવમાં તીવ્ર વધારો ઉદ્યોગ જગત માટે ચિંતા સર્જે છે.
બજારના મુખ્ય પરિબળો :
મધ્યપૂર્વમાં ઈઝરાઈલ–ઈરાન વચ્ચે વધતા સંઘર્ષને કારણે વૈશ્વિક ક્રૂડ બજારમાં વોલેટિલિટી વધી છે. ક્રૂડના ભાવ ૧૧૯ ડોલર સુધી પહોંચ્યા બાદ થોડો ઘટાડો થયો છે, છતાં ૧૦૮ ડોલર આસપાસ મર્યાદિત સ્થિરતા જોવા મળી રહી છે. ક્રૂડના ભાવમાં ઉછાળો ભારતની આયાત ખર્ચ પર સીધી અસર કરે છે, કારણ કે દેશ ૮૫ થી ૯૦ ટકા ક્રૂડ આયાત કરે છે.
હોર્મુઝના જળમાર્ગમાં વધતી અનિશ્ચિતતાએ ફ્રેઇટ અને ઈન્શ્યોરન્સ ખર્ચમાં વધારો કર્યો છે, જેના કારણે બલ્ક ડીઝલમાં આશરે ૨૨ રૂપિયાનો ઉછાળો નોંધાયો છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
ઔદ્યોગિક સેક્ટર માટે બલ્ક ડીઝલના વધેલા ભાવ દબાણ ઊભું કરે છે. પરિવહન, લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ખર્ચમાં વધારો થવાથી આવનારા દિવસોમાં મર્યાદિત પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. રિટેલ સેક્ટર માટે સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત હોવાથી તરત ધોવાણની શક્યતા ઓછી છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ ક્રૂડના ભાવમાં ૧૦૦ થી ૧૨૦ ડોલરનો રેન્જ બાઉન્ડ ઝોન મજબૂત રેઝિસ્ટન્સ બની રહ્યો છે. જો આ લેવલનું બ્રેકઆઉટ થાય તો સ્થાનિક ઈંધણ બજારમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે. હાલમાં આયાત ખર્ચ માટે ૧૦૦ ડોલરનો સ્તર મહત્વનો સપોર્ટ લેવલ બની રહ્યો છે.
રોકાણ રણનીતિ :
ઊર્જા સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓમાં સાવચેતી જરૂરી છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ જાળવવી યોગ્ય રહેશે. ડેરિવેટિવ સેગમેન્ટમાં વધતી વોલેટિલિટી વચ્ચે સ્ટોપલોસ સાથે પોઝિશન રાખવું યોગ્ય રહેશે.
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં બજાર ઈંધણના વધતા ખર્ચને કારણે મર્યાદિત નકારાત્મક વલણ સાથે ચાલી શકે છે. વૈશ્વિક તણાવ યથાવત રહે તો સ્થાનિક ઈંધણ બજારમાં વધુ ઉછાળો નકારી શકાય નહીં. સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવાની સરકારની દિશા નજીકના ગાળામાં સાવચેતીનો માહોલ જાળવશે તેવી સંભાવના છે.







