વર્તમાન વર્ષની નવરાત્રી દરમિયાન વાહનોના વેચાણે અત્યારસુધીનો સર્વકાલીન રેકોર્ડ બનાવ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના આંકડા મુજબ, નવરાત્રીના ગાળામાં વાહનોના વેચાણમાં ૩૪ ટકાનો જંગી વધારો નોંધાયો છે. તહેવાર દરમિયાન ૨૨ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી કુલ ૧૧.૫૦ લાખ વાહનો વેચાયા, જે ગયા વર્ષની ૮.૬૩ લાખની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. ફાડાના વાઈસ પ્રેસિડન્ટ સાઈ ગીરીધરે જણાવ્યું કે, જીએસટીમાં થયેલી કપાત અને તહેવારી માગના કારણે સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં વેચાણમાં ઉછાળો આવ્યો હતો.
શરૂઆતના ત્રણ સપ્તાહમાં વેચાણ મંદ રહ્યું હતું, પરંતુ નવરાત્રીના આરંભ સાથે જ માંગમાં તેજી આવી હતી. સપ્ટેમ્બર મહિનાના કુલ આંકડા મુજબ, ઊતારૂ વાહનોના વેચાણમાં વર્ષાનુવર્ષ ૫.૮૦ ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે એકંદર ઓટો સેક્ટરનું વેચાણ ૫.૨૦% વધ્યું છે. સેગમેન્ટવાઈઝ જોવામાં આવે તો, ટુ-વ્હીલર્સમાં ૬.૫૦%, ટ્રેક્ટર્સમાં ૩.૬૦%, અને કમર્શિયલ વાહનોમાં ૨.૬૦% વૃદ્ધિ જોવા મળી છે.
જોકે, થ્રી-વ્હીલર્સ અને બાંધકામ ઉપકરણોના વેચાણમાં અનુક્રમે ૭.૨૦% અને ૧૯% ઘટાડો નોંધાયો છે. ઉદ્યોગના નિષ્ણાતોનું માનવું છે કે માંગમાં આવેલા વધારાથી ડીલરોના સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે અને દિવાળીના તહેવારને લઈને ઉદ્યોગમાં મજબૂત આશાવાદ છે. હાલ ઊતારૂ વાહનોનો સ્ટોક આશરે ૬૦ દિવસ જેટલો રહ્યો છે, જે સૂચવે છે કે આવતા સપ્તાહોમાં પણ વેચાણની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે.