આ વર્ષે રોકાણ પરતના મામલે પ્લેટિનમએ સોનું અને ચાંદી બંનેને પાછળ છોડી દીધા છે. જ્યાં સોનામાં આશરે ૫૧% અને ચાંદીમાં ૬૮% નો વધારો નોંધાયો છે, ત્યાં પ્લેટિનમના ભાવમાં અત્યાર સુધી આશરે ૮૦%નો ઉછાળો આવ્યો છે – જે છેલ્લા પાંચ દાયકામાં સૌથી મોટો વધારો ગણાય છે. જોકે પ્લેટિનમની કિંમત હજી પણ મે ૨૦૦૮ના તેના રેકોર્ડ ૨૨૫૦ ડોલર પ્રતિ ઔંસ સ્તરથી અંદાજીત ૨૮% નીચે છે, ૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન થયેલા ઘટાડા બાદ આ વર્ષ પ્લેટિનમ માટે ઉત્તમ સાબિત થયું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ તેજી પાછળનો મુખ્ય કારણ પુરવઠામાં તંગી અને ઉદ્યોગ તેમજ રોકાણ ક્ષેત્રમાં વધી રહેલી માંગ છે.
પિનેટ્રી મેક્રોના સ્થાપક રિતેશ જૈનના જણાવ્યા મુજબ, “પ્લેટિનમ હવે ફરી સોનાની સરખામણીમાં સ્થાન મેળવી રહ્યું છે. અગાઉ પ્લેટિનમ સોના કરતાં મોંઘું હતું, પરંતુ હાલ સોનું ત્રણ ગણું મોંઘું છે. ગ્રાહકો દાગીનાની ખરીદીમાં પણ સોનાથી પ્લેટિનમ તરફ વળી રહ્યા છે, જ્યારે ખાણકામ ઉત્પાદન મર્યાદિત રહ્યું છે.” ૨૦૨૫ દરમિયાન વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ફુગાવા અને યુ.એસ. સરકારના શટડાઉન જેવા પરિબળો રોકાણકારોને સુરક્ષિત સંપત્તિઓ તરફ ધકેલી રહ્યા છે. ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં ઘટાડાએ પણ કિંમતી ધાતુઓમાં રોકાણને પ્રોત્સાહન આપ્યું છે. દક્ષિણ આફ્રિકા, જે વિશ્વનો સૌથી મોટો પ્લેટિનમ ઉત્પાદક દેશ છે, ત્યાં આ વર્ષે અતિશય વરસાદ, વીજળીની ખામીઓ અને પાણીની અછતને કારણે ઉત્પાદન આશરે ૨૪% ઘટ્યું છે.
વર્લ્ડ પ્લેટિનમ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના અંદાજ મુજબ, ૨૦૨૫માં વૈશ્વિક સ્તરે ૮.૫ લાખ ઔંસ જેટલી અછત રહેશે સતત ત્રીજું વર્ષ પુરવઠો માંગ કરતા ઓછો રહેવાનો છે. પ્લેટિનમની કુલ માંગમાં લગભગ ૭૦% હિસ્સો ઔદ્યોગિક ઉપયોગનો છે, ખાસ કરીને ઉત્પ્રેરક કન્વર્ટર, ગ્રીન ટેકનોલોજી અને હાઇડ્રોજન એનર્જી સિસ્ટમ્સમાં. ચીનમાં પણ આ વર્ષે પ્લેટિનમ આયાત અને દાગીના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે – માત્ર પ્રથમ ત્રિમાસિકમાં જ દાગીના ઉત્પાદન ૨૬% વધ્યું છે, કારણ કે પ્લેટિનમ સોનાની તુલનામાં હજી પણ વધુ સસ્તું છે.