આ વર્ષે નવરાત્રિના તહેવારો દરમિયાન રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ બનાવતી કંપનીઓ અને રિટેલર્સે દાયકાનો રેકોર્ડ તોડી નાખે એવું જોરદાર વેચાણ નોંધાવ્યું છે. જીએસટી દરમાં થયેલા ઘટાડા અને તહેવારોને અનુલક્ષી આકર્ષક ઓફરોને કારણે ગ્રાહકોની ખરીદીમાં અસાધારણ ઉછાળો આવ્યો છે. આ જ પ્રવૃત્તિ દિવાળી અને બાદની સિઝનમાં પણ ચાલુ રહેવાની ધારણા વ્યક્ત થઈ રહી છે. નવા જીએસટી દર ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થયા બાદ લગભગ ૪૦૦ ચીજવસ્તુઓ પર કરમાં રાહત મળી છે.
અહેવાલો મુજબ અનેક બ્રાન્ડ્સે પોતાના વેચાણમાં ૨૫% થી લઈને ૧૦૦% સુધીની વૃદ્ધિ નોંધાવી છે. લાંબા સમયથી સુસ્ત પડેલા બજારમાં આ કંપનીઓ માટે મોટો હકારાત્મક સંકેત છે. મોટાભાગની કંપનીઓએ જીએસટી ઘટાડાનો લાભ સીધો ગ્રાહકોને આપ્યો છે, તેમજ વધારાના તહેવારી ડિસ્કાઉન્ટ્સથી માંગને વધુ ગતિ મળી છે.
ઓટો સેક્ટરમાં મારુતિ સુઝુકીએ નવરાત્રિ દરમિયાન ગયા વર્ષની સરખામણીમાં બમણું વેચાણ નોંધાવ્યું છે, જે છેલ્લા દસ વર્ષનું શ્રેષ્ઠ પરિણામ છે. કંપનીને માત્ર નવરાત્રિ દરમિયાન જ ૭૦૦,૫૩૦ પૂછપરછો મળી હતી. મહિન્દ્રા, હ્યુન્ડાઇ સહિતની અન્ય કંપનીઓના વેચાણમાં પણ તેજી જોવા મળી છે. નાની કારથી લઈને એસયુવી અને મલ્ટી-પરપઝ વ્હીકલ સુધી તમામ સેગમેન્ટમાં માંગ વધેલી છે.
ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે પણ મોટો ઉછાળો નોંધાયો છે. હેયરના વેચાણમાં ૮૫% નો વધારો થયો છે, જ્યારે મોંઘા ૮૫ થી ૧૦૦ ઇંચના ટેલિવિઝનનો દિવાળીના પહેલા જ સ્ટોક પૂરો થઈ ગયો છે. ટીવી, એસી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન અને ડીશવોશર જેવા ઉપકરણોમાં કિંમતો ઘટતાં વેચાણમાં દસકા આંકડાની વૃદ્ધિ થઈ છે.
દેશના મોટા શહેરોના મોલ્સ, સુપરમાર્કેટ્સ અને રિટેલ સ્ટોર્સે પણ ગયા વર્ષની તુલનામાં ૨૦-૨૫% વધુ વેચાણ નોંધાવ્યું છે. ખાસ કરીને સ્માર્ટફોન, બ્રાન્ડેડ રેડીમેડ કપડાં, ફેશન એસેસરીઝ અને લાર્જ સ્ક્રીન ટીવી માટે ગ્રાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. બે-વ્હીલર સેગમેન્ટમાં ગ્રાહકોની આવક બમણી થઈ છે, ખાસ કરીને બાઇક્સ અને ઇલેક્ટ્રિક સ્કૂટર્સની માંગમાં જોરદાર વધારો થયો છે.