સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન નવા પ્રોજેક્ટસની જાહેરાતમાં મોટો ઘટાડો નોંધાયો છે. વાર્ષિક ધોરણે ૫૦% ઘટાડા સાથે નવા પ્રોજેક્ટસનું મૂલ્ય ઘટીને રૂ.૫.૨૦ ટ્રિલિયન રહ્યું છે, જ્યારે ગયા વર્ષે આ જ ગાળામાં આ મૂલ્ય ઘણું વધારે હતું. આ આંકડા સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) દ્વારા જાહેર કરાયા છે. ખાનગી ક્ષેત્રની તુલનાએ કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રોજેક્ટસમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા પ્રોજેક્ટસનું મૂલ્ય માત્ર રૂ.૬૦,૦૦૦ કરોડ રહ્યું, જે ગયા વર્ષે રૂ.૩.૬૦ ટ્રિલિયન હતું – એટલે કે ૮૩%નો ઘટાડો. ખાનગી ક્ષેત્રમાં પણ નરમાશ જોવા મળી છે.
ખાનગી કંપનીઓએ જાહેર કરેલા નવા પ્રોજેક્ટસનું મૂલ્ય રૂ.૪.૬૦ ટ્રિલિયન રહ્યું, જે ગયા વર્ષની તુલનાએ ૨૪% ઓછું છે. સેક્ટરવાઈઝ જોવામાં આવે તો ઉત્પાદન ક્ષેત્રમાં ૪%નો સામાન્ય ઘટાડો સાથે મૂલ્ય રૂ.૩.૮૦ ટ્રિલિયન રહ્યો. પરંતુ વીજ પ્રોજેક્ટસમાં સૌથી વધુ અસર થઈ છે – મૂલ્ય ૯૦% ઘટીને માત્ર રૂ.૨૨,૦૦૦ કરોડ પર પહોંચી ગયું. નોન-ફાઈનાન્સિયલ સર્વિસીસ, બાંધકામ-રિયલ એસ્ટેટ અને સિંચાઈ પ્રોજેક્ટસમાં પણ ૬૦%થી વધુ ઘટાડો નોંધાયો છે.
એક તરફ એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન સરકારે મૂડીખર્ચમાં વધારો કર્યો છે, ઓગસ્ટમાં તો ૧૧૩%નો ઉછાળો પણ નોંધાયો. છતાં નવા પ્રોજેક્ટસ જાહેર થવામાં મંદી જોવા મળી રહી છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, જીએસટી માળખામાં ફેરફારોને કારણે રાજ્યોની આવક પર દબાણ વધ્યું છે, જેના કારણે રાજ્ય સરકારો મૂડી ખર્ચમાં સાવચેત બની રહી છે. જોકે, પ્રોજેક્ટ જાહેર થવામાં ઘટાડો થયો હોવા છતાં પ્રોજેક્ટ પૂર્ણ થવામાં ૧૭.૬%નો વધારો નોંધાયો છે.