રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૧૦.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૯૮૩ સામે ૮૦૬૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૬૪૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૨૦૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૬૭ સામે ૨૪૯૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૦૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની મીટિંગમાં આ વખતે રેપો રેટ ૫.૫% જાળવી રાખવાનો નિર્ણય લેવાયા છતાં આગામી દિવસોમાં વ્યાજ દરમાં ઘટાડાનો સંકેત આપવામાં આવતાં અને આર્થિક વૃદ્વિનો અંદાજ પણ વધારીને કોર્પોરેટ માટે ધિરાણ ઉપલબ્ધિ વધારવા, એક્વિઝિશન, ગ્રાહક રક્ષણ વધારા અને રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણને વેગ આપવા ઘણા નિયામક પગલાં જાહેર કરાતા આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં તેની પોઝીટીવ અસરે ઉછાળો જોવાયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, નબળા આર્થિક ડેટા ઉપરાંત શટડાઉનને કારણે અમેરિકામાં ઊભી થયેલી રાજકીય અનિશ્ચિતતાએ કારણે ડોલરમાં નબળાઈ નોંધાતા આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે વૈશ્વિક સ્તરે ક્રુડઓઈલના પૂરવઠામાં વધારો થવાની ધારણાંએ ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી અને હેલ્થકેર સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૯૦ અને વધનારની સંખ્યા ૨૭૧૦ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા સ્ટીલ ૩.૪૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૩.૧૫%, એક્સિસ બેન્ક ૨.૧૬%, કોટક બેન્ક ૧.૮૪%, લાર્સન લિ. ૧.૬૯%, બીઈએલ ૧.૪૯%, ભારતી એરટેલ ૧.૪૮%, ટાઈટન કંપની લિ. ૧.૩૭% અને એશિયન પેઈન્ટ ૦.૮૯% વધ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્ર ૧.૧૧%, મારુતિ સુઝુકી ૧.૦૬%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૫%, સન ફાર્મા ૦.૫૮%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૫૧% અને બજાજ ફિનસર્વ ૦.૪૧% અને ટાટા કન્સલ્ટન્સી ૦.૪૧% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૪૩ લાખ કરોડ વધીને ૪૫૭.૭૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૫ કંપનીઓ વધી અને ૧૫ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એક્ઝિટ લોડમાં થયેલા તાજેતરના ઘટાડા ભારતીય શેરબજાર માટે મહત્વપૂર્ણ સંકેત છે. મ્યુચ્યુઅલ ફંડની અગ્રણી સંસ્થાઓએ સ્પર્ધાને પહોંચી વળવા તથા રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને એક્ઝિટ લોડ ઘટાડી દીધો છે. આ બદલાવ ખાસ કરીને ટૂંકા ગાળાના રોકાણકારો માટે ફાયદાકારક છે, કારણ કે એક્ઝિટ લોડ તેમની વળતર ક્ષમતા પર સીધી અસર કરે છે. ટૂંકા ગાળામાં, આ પ્રકારની નીતિઓ રોકાણકારોને વધુ સરળતા સાથે પ્રવેશ-પ્રસ્થાન કરવાની તક આપે છે, જેના કારણે માર્કેટમાં વધુ પ્રવાહીતા જોવા મળશે. વધારે રોકાણકારોની ભાગીદારી મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને મજબૂત બનાવશે અને એફઆઈઆઈ તથા ડોમેસ્ટિક રોકાણકારો વચ્ચે વિશ્વાસ વધારશે, જે શેરબજારમાં સતત સકારાત્મક પ્રવાહ જાળવી શકે છે.
આ પ્રવૃત્તિ માત્ર સ્પર્ધાત્મક વ્યૂહરચના નથી, પરંતુ ભારતીય બજારને વધુ પારદર્શક અને રોકાણકાર-કેન્દ્રિત બનાવવાનો પ્રયાસ છે. ઓછા એક્ઝિટ લોડને કારણે નાના અને મધ્યમ રોકાણકારો માટે પણ મ્યુચ્યુઅલ ફંડ્સ આકર્ષક વિકલ્પ બની શકે છે, જે નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપશે. પરિણામે, ઇક્વિટી બજારમાં લાંબા ગાળાના મૂડી પ્રવાહમાં વધારો થવાની શકયતા છે, જે ઈન્ડેક્સ સ્તરે સ્થિરતા અને વૃદ્ધિને ટેકો આપશે. તેથી, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની આ બદલાતી નીતિઓ ભારતીય શેરબજાર માટે સકારાત્મક બની શકે છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in