રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૯.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૩૬૪ સામે ૮૦૫૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૨૦૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૭૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૨૬૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૦૯ સામે ૨૪૮૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૭૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૭૭૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાએ એચ-1બી વીઝા વનટાઈમ ફી લાગુ કર્યા સાથે લોટરી સિસ્ટમ બંધ કરવાના નિર્ણયને લઈ આઈટી કંપનીઓ માટે કફોડી હાલત થવાની ધારણાએ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ ભારત સાથે ટ્રેડ ડિલ કરવા માટે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું બંધ કરવાનું દબાણ કરી રહ્યાનું અને બીજી તરફ ઓપેક સંગઠન અને અન્ય દેશો નવેમ્બરમાં ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો કરે એવી શકયતા વચ્ચે ક્રુડ ઓઈલના ભાવો ઘટતાં આજે સ્થાનિક બજારમાં બે તરફી અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો.
અલબત હજુ ટ્રમ્પ ટેરિફ મામલે ભારત પર ભીંસ વધારશે એવી અટકળો અને ચાઈના પણ તાઈવાન મામલે અમેરિકા પર સ્વતંત્ર રાષ્ટ્રનું વલણ છોડવા દબાણ કરી રહ્યાના અને યુક્રેન મામલે હજુ યુદ્ધ વકરવાના અને ગાઝા મામલે ઈઝરાયેલના આક્રમક વલણને લઈ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહેતા ભારતીય શેરબજારમાં ઘટડો જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નાણાકીય નીતિ સમિતિના નિર્ણય પહેલા નબળા સ્થાનિક ઇક્વિટી અને વિદેશી ભંડોળના પ્રવાહને પગલે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે સ્થિર રહ્યો હતો. વધુમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નવીનતમ ટેરિફ નીતિઓ અને ભારત પર તેની અસરને કારણે રૂપિયાની ભાવના નબળી રહી હતી. દરમિયાન, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને સ્થિર અમેરિકન ચલણએ રૂપિયાને અમુક અંશે ટેકો આપ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૦% બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મુખ્યત્વે મેટલ, કોમોડીટીઝ, ઓટો, ફાઈનાન્શિયલ સર્વિસીસ, બેન્કેકસ અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૪૬ અને વધનારની સંખ્યા ૨૦૪૭ રહી હતી, ૧૭૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૪૩%, અદાણી પોર્ટ્સ ૧.૪૧%, ટાટા મોટર્સ ૧.૧૮%, બીઈએલ ૦.૯૬%, બજાજ ફાઈનાન્સ ૦.૭૬%, હિંદુસ્તાન યુનિલિવર ૦.૬૪%, સન ફાર્મા ૦.૫૮% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૫૮% વધ્યા હતા, જ્યારે આઈટીસી ૧.૧૯%, ભારતી એરટેલ ૧.૧૮%, ટ્રેન્ટ ૧.૧૩%, ટાઈટન લિ. ૧.૦૭%, બજાજ ફિનસર્વ ૦.૯૩%, લાર્સન લિ. ૦.૭૮% રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૭૪%, ટેક મહિન્દ્રા ૦.૭૦% અને એનટીપીસી ૦.૨૯% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સામે મીડકેપ, લાર્જકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪૫૧.૫૦ લાખ કરોડથી રૂ.૦.૦૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૧.૪૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૭ કંપનીઓ વધી અને ૧૩ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારની ભાવી દિશા ટૂંકા ગાળામાં અસ્થિરતા દર્શાવી શકે છે કારણ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આચાનક ટેરિફ નિર્ણયો, એચ-1બી વિઝા પરની કડકાઈ અને ફાર્માસ્યુટિકલ આયાત પરના ઊંચા ટેરિફ જેવી જાહેરાતો રોકાણકારોમાં ભય અને અનિશ્ચિતતા ફેલાવી રહી છે. ખાસ કરીને આઈટી અને ફાર્મા ક્ષેત્રમાં અમેરિકી નીતિ બદલાવને કારણે નિકાસ આધારિત ભારતીય કંપનીઓ પર દબાણ વધવાની શક્યતા છે. છેલ્લા છ ટ્રેડિંગ સેશનમાં જોવા મળેલો સતત ઘટાડો એ દર્શાવે છે કે વૈશ્વિક રાજકીય જોખમો, ડોલર મજબૂતી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી બજારના મૂડને નકારાત્મક બનાવી રહી છે. આ પરિસ્થિતિમાં ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે વોલેટિલિટીથી નફો કમાવવાનો મોકો રહેશે, પરંતુ લાંબા ગાળાના રોકાણકારો માટે સતર્કતા જરૂરી રહેશે.
લાંબા ગાળાની દ્રષ્ટિએ જોવામાં આવે તો ભારતની આંતરિક આર્થિક મજબૂતી, સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ, ડિજિટલ અર્થતંત્રમાં વૃદ્ધિ અને મેન્યુફેકચરીંગ પ્રોત્સાહન યોજનાઓ બજારને ટેકો આપી શકે છે. જો ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે સકારાત્મક સંકેત મળે અથવા અમેરિકા પોતાની કડક નીતિઓમાં લવચીકતા દાખવે તો બજારમાં ઝડપથી રિકવરી આવી શકે છે. રોકાણકારોએ હાલની અનિશ્ચિતતામાં ઊંચા ગુણવત્તાવાળા બ્લૂચિપ શેરો અને ડિફેન્સિવ સેક્ટર પર ધ્યાન આપવું યોગ્ય રહેશે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in