October 10, 2025
Subscription
Login
Friday, October 10, 2025
Subscription
Login
HomeStock Market Trendનિફટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન...!!! - ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫

નિફટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!! – ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૯.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૫૯ સામે ૮૨૧૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૭૭૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૧૦૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૭૭ સામે ૨૫૨૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૧૫૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૨૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતને ભીંસમાં લેવા દરેક પ્રયાસ કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સૌથી વધુ એચ-૧બી વિઝાનો લાભ મેળવતા ભારતીયોની રોજગારી છીનવવા તરફી એકાએક વનટાઈમ એક લાખ ડોલર વીઝા ફી વસૂલવાનો નિર્ણય જાહેર કરતાં દેશના સૌથી વધુ આ વીઝાનો લાભ મેળવતી આઈટી – સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી સેક્ટરને ફટકો પડવાના સંકેતો સામે સરકાર દ્વારા જીએસટી દરોમાં ઘટાડાનો અમલ થઈ જતાં દેશની ગ્રાહક જનતા અને ઉદ્યોગોને ફાયદો થવાની અપેક્ષાએ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડીના અંતે સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, આગામી દિવસોમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધુ કપાત અંગેના સંકેતો આપશે તેવી ધારણાંએ ડોલરમાં સુધારો આવતા ડોલર સામે રૂપીયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે માંગ નબળી પડવાની ધારણાંએ ક્રુડઓઈલમાં નરમાઈ ચાલુ રહી હતી.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, બેન્કેક્સ, ઓટો, ટેલિકોમ્યુનિકેશન અને ફાઈનાન્શિયલ સર્વિસીસ સેક્ટરલમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૨૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૫૬ અને વધનારની સંખ્યા ૧૭૯૮ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં એક્સિસ બેન્ક ૨.૩૨%, બજાજ ફાઈનાન્સ ૧.૯૪%, મારુતિ સુઝુકી ૧.૮૩%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૮૧%, કોટક બેન્ક ૧.૫૫%, ટાટા સ્ટીલ ૧.૧૧%, એનટીપીસી લિ. ૧.૧૧%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૮૯% અને ટાટા મોટર્સ ૦.૭૮% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ટ્રેન્ટ લિ. ૨.૩૪%, ટેક મહિન્દ્રા ૨.૦૭%, હિંદુસ્તાન યુનિલિવર ૧.૯૪%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૦%, એશિયન પેઈન્ટ ૧.૪૨%, ઇટર્નલ લિ. ૦.૯૮%, આઈટીસી લિ. ૦.૯૨%, સન ફાર્મા ૦.૭૮% અને ભારતી એરટેલ ૦.૭૪% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૪૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૩.૫૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૩ કંપનીઓ વધી અને ૧૭ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર માટે એચ૧બી વિઝા ફી વધારાની અસર મિશ્ર જોવા મળી શકે છે. ખાસ કરીને આઈટી સેવા ક્ષેત્રને ધ્યાનમાં રાખીએ તો, એચ૧બી વિઝા ફીમાં થયેલા વધારા કારણે ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ અને વિપ્રો જેવી મોટી કંપનીઓના ઓપરેશનલ ખર્ચમાં વધારો થશે. સાથે જ અમેરિકાથી આવતા રેમિટેન્સમાં ઘટાડો અને રૂપિયામાં દબાણથી વિદેશી સંસ્થાગત રોકાણકારોની ભાવના પર અસર પડી શકે છે, જેના પરિણામે બજારમાં વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. હાલ રૂપિયો એશિયાના અન્ય ચલણોની સરખામણીએ નબળો પડતો જાય છે, જેનાથી આયાત આધારિત ક્ષેત્રો પર વધુ અસર થઈ શકે છે અને સમગ્ર બજાર પર નકારાત્મક અસર જોવા મળી શકે છે.

પરંતુ ટૂંકાગાળે જોવામાં આવે તો આ જ પરિસ્થિતિ ભારતીય આઈટી સેવા કંપનીઓ માટે નવી તક પણ ઉભી કરી શકે છે. અમેરિકાની કંપનીઓ પોતાના ખર્ચ ઘટાડવા ભારત જેવા દેશોમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સનું વિસ્તરણ કરવાની દિશામાં આગળ વધી રહી છે. માઈક્રોસોફ્ટ, મોર્ગન સ્ટેન્લી અને ગુગલ જેવી કંપનીઓ પહેલાથી જ ભારતમાં મોટા કેન્દ્રો ચલાવે છે અને આવનારા સમયમાં આ પ્રવાહ વધુ ઝડપથી વધી શકે છે. પરિણામે, ભારતીય ટેક્નોલોજી તથા સેવા ક્ષેત્ર માટે રોજગારની નવી તકો ઊભી થશે અને આવકના સ્ત્રોતો મજબૂત બનશે. આથી, ટૂંકાગાળે બજારમાં નકારાત્મક દબાણ હોવા છતાં ભારતીય શેરબજાર માટે વૃદ્ધિના નવા માર્ગ ખુલતા જોવા મળી શકે છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular