વર્તમાન કારોબારી સેશનમાં ટાટા પાવર માટે સકારાત્મક વિકાસ જોવા મળ્યો છે, કારણ કે ભૂટાન સરકાર અને વર્લ્ડ બેંકે સાથે મળી ૫૧૫ મિલિયન ડોલરનું ફાઇનાન્સિંગ કરાર સહી કર્યું છે. આ ફાઇનાન્સિંગ ૧૧૨૫ મેગાવોટ ક્ષમતાવાળા ડોર્જિલુંગ હાઈડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે છે, જે ટાટા પાવર અને ભૂટાનની Druk Green Power વચ્ચેનું સંયુક્ત પ્રોજેક્ટ છે.
એકંદરે ૧.૭ બિલિયન ડોલર ખર્ચવાળા આ પ્રોજેક્ટમાંથી દર વર્ષે આશરે ૪૫૦૦ GWh જેટલી સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન થશે, જેમાંથી ૮૦% ઉર્જા પીક સમર સીઝનમાં ભારતને એક્સપોર્ટ કરવામાં આવશે.
બજારના મુખ્ય પરિબળો :
ટાટા પાવર માટે આ ફાઇનાન્સિંગ મહત્વપૂર્ણ પરિબળ છે. ભારતની પાવર ડિમાન્ડમાં વધતો ઉછાળો અને ભૂટાન સાથે વધતી એનર્જી ભાગીદારી રોકાણકારોમાં સકારાત્મક ભાવના લાવી રહી છે. તાજા આંકડા મુજબ એપ્રિલમાં ભારતની પીક ડિમાન્ડ ૨૫૬ GW સુધી પહોંચી, જેના કારણે એનર્જી સેક્ટરમાં પસંદગીયુક્ત ખરીદી યથાવત છે.
કંપની વિશે :
ટાટા પાવર પાસે આ પ્રોજેક્ટમાં ૪૦% હિસ્સો રહેશે, જ્યારે Druk Green Power પાસે ૬૦% હિસ્સો રહેશે. વર્લ્ડ બેંક દ્વારા IDA અને IBRD મારફતે મળેલા ફંડિંગ સાથે IFC નો સહયોગ પણ આ પ્રોજેક્ટને મજબૂત બનાવે છે. ટાટા પાવરના સીઇઓ પ્રવીર સિન્હાએ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ ભારત–ભૂટાન એનર્જી સહકારને વધુ ઉંડો બનાવશે અને બંને દેશોને આર્થિક લાભ આપશે.
આ પ્રોજેક્ટ ભૂટાનના GDP માં આશરે ૨.૪% સુધીનો ઉછાળો લાવશે અને દેશને ગ્રિડ ફ્લેક્સિબિલિટી તેમજ એક્સપોર્ટ આવક વધારવામાં મદદરૂપ થશે.
સેક્ટર દૃષ્ટિકોણ :
પાવર સેક્ટરમાં હાલ વોલેટિલિટી યથાવત છે, છતાં સ્વચ્છ ઉર્જા સંબંધિત પ્રોજેક્ટ્સમાં બુલિશ બાયસ જણાય છે. ખાસ કરીને હાઈડ્રો અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણકારો પસંદગીયુક્ત રસ દર્શાવી રહ્યા છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીનો વલણ યથાવત છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં ટાટા પાવર માટે દૃષ્ટિ મજબૂત રહી શકે છે, કેમ કે આ પ્રોજેક્ટ લાંબા ગાળાના રેવન્યુ મોડલને બળ આપે છે. એનર્જી ડિમાન્ડમાં વધારાથી પાવર સેક્ટર રેન્જ બાઉન્ડ હોવા છતાં ક્વોલિટી કંપનીઓમાં પોઝિશન જાળવનારા રોકાણકારોને લાભ મળવાની શક્યતા છે.






