માર્ચ ત્રિમાસિકમાં એલઆઈસીએ મજબૂત નફો નોંધાવ્યો છે અને સમગ્ર ફાઈનાન્સિયલ સેક્ટરમાં પોતાનું પ્રભાવ જાળવ્યું છે. સરકારી ક્ષેત્રની આ અગ્રણી કંપનીએ ત્રિમાસિક માટે ૨૩,૪૨૦ કરોડનો નફો કમાવ્યો છે, જે અગાઉના ૧૯,૦૧૩ કરોડની સરખામણીએ નોંધપાત્ર ઉછાળો દર્શાવે છે.
કંપની વિશે :
એલઆઈસીનું એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) ૫૭,૨૯,૩૯૬ કરોડ સુધી પહોંચ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ અંદાજે ૫ ટકા ઉછાળો દર્શાવે છે. પ્રીમિયમ આવકમાં મર્યાદિત વૃદ્ધિ રહી છે, જ્યારે એડજસ્ટેડ નેટવર્થ ૧,૬૯,૬૦૫ કરોડ સુધી વધ્યું છે. મજબૂત પરિણામોના અનુસંધાને BSE પર એલઆઈસીના શેરમાં આશરે ૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
નાણાકીય પરિણામો :
ફાઈનાન્સિયલ સેક્ટરમાં અન્ય મુખ્ય બેંકો પણ મજબૂત પ્રદર્લન સાથે સામે આવી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એ ત્રિમાસિકમાં ૧૯,૬૮૪ કરોડનો નફો કમાવ્યો, જ્યારે HDFC બેંકનો નફો ૧૯,૨૨૧ કરોડ રહ્યો. વાર્ષિક ધોરણે જોવામાં આવે તો SBI ૮૦,૦૩૨ કરોડના નફા સાથે ટોચ પર રહ્યો, અને એલઆઈસીનો વાર્ષિક નફો ૫૭,૪૧૯ કરોડ સુધી પહોંચ્યો.
બજારના મુખ્ય પરિબળો :
વર્તમાન કારોબારી સેશનમાં એલઆઈસીના મજબૂત નફાના આંકડાઓને કારણે શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. જોકે વોલેટિલિટી યથાવત રહેવા છતાં રોકાણકારોમાં સાવચેતીનો માહોલ છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની પ્રવૃત્તિ સાથે સેક્ટર મર્યાદિત વલણમાં જોવા મળ્યો છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
PSU સેગમેન્ટમાં IOC, કૉલ ઈન્ડિયા, PFC અને NTPC જેવી કંપનીઓએ પણ મજબૂત નફો દર્શાવ્યો છે. બીજી તરફ વોડાફોન આયડિયાએ કાયદાકીય રાહત મળતા ૫૧,૯૭૦ કરોડનો નફો નોંધાવ્યો છે, જે કંપની માટે છ વર્ષમાં પ્રથમ વખત નોંધાયું છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં ફાઈનાન્સિયલ સેક્ટરમાં વોલેટિલિટી યથાવત રહેવાની સંભાવના છે. એલઆઈસીના મજબૂત આર્થિક પરિણામો લાંબા ગાળે સકારાત્મક સંકેત આપે છે, પરંતુ ટૂંકા ગાળાના રોકાણકારોએ સાવચેતીપૂર્વક પોઝિશન જાળવવી યોગ્ય રહેશે.






